Monday, July 6, 2009

કોડિયું




અસ્ત જાતા રવિ પૂછતા અવનિને:

‘સારશો કોણ કર્તવ્ય મારા?

’સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,

મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.


તે સમે કોડિયું એક માટી તણું

ભીડને કોક ખૂણેથી બોલ્યું:

‘મામૂલી જેટલી મારી ત્રેવડ,

પ્રભુ !એટલું સોંપજો, તો કરીશ હું’


- ઝવેરચંદ મેઘાણી -

Friday, July 3, 2009

કસુંબી નો રંગ...




લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

- ઝવેરચંદ મેઘાણી-

Thursday, July 2, 2009

ગુઝારીશ


પ્રેક્ષા,



.............આવતા ભવે મારી આ અધુરી મુકેલી કવિતાની છેલ્લી પંક્તી થઈ તમે આવી ચડજો.
યુગો આવશે અને યુગો જશે...પણ મારો આ જન્મ ફરી થી નહિં હોય અને તો પછી તારી આશ જ ક્યાંથી?..... I hope I make you realize how much I love you..........આ જીવનના દેનાર ને એક જ પ્રાર્થના ...કે આજ પરિવાર મારો હમેંશા મારી સાથે રહે જ ...અને મારા હરિક્રુષ્ણ મહારાજ!



-નિમસખી-

વૈષ્ણવજન તો તેણે રે કહી યે....


વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.

પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન


સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.

વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન


સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન


મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.

રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન


વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.

ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન


- નરસિંહ મહેતા -